કાબુલી ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ચણાની જાતો પિકેવી કાબુલી -૨ રાજ વિજય કાબુલી ચણા ૨૦૨,૨૦૩ આબોહવા સુકી અને ઠંડી આબોહવામાં થતાં ચણા હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે ૨૦ થી ૩૦ ડીગ્રી સે.ગ્રે. ઉષ્ણતામાન અનુકૂળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકશાન થાય છે. પાકની અવસ્થા દરમ્યાન પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે. જમીનની તૈયારી સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ જ સારા થાય છે. આમ છતાં ગોરાડું તેમજ રેતાળ જમીનમાં પણ વાવેતર કરી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહુ ઉંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા થાય છે. બિનપિયત વિસ્તારોમાં ચોમાસા પછી જેમ જેમ પાણી સુકાતું જાય તેમ તેમ ચણાની વાવણી કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં વાવણી વખતે બીજ ૧૦ થી ૧૫ સે.મી. ઉંડે ભેજમાં પડે એ ખૂબ જ જરુરી છે. વાવણી સમય ૧૫ મી ઓકટોબર થી ૧૫ મી નવેમ્બર દરમ્યાન ઠંડીની શરુઆાત થયે વાવવા બીજનો દર અને અંતર બે ચાસ વચ્ચે ૩૦ થી ૬૦ સે.મી. ના અંતરે હેકટરે ૮૫-૯૦ કિલોગ્રામ પ્રમાણે બીજનું પ્રમાણ રાખી ચણા વાવવા. બીજ માવજત વાવણી વખતે બીજને પહેલા ફુગનાશક દવા અને પછી રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે એક કિલોગ્રામ બિયારણમાં ૩ ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અને થાયરમ ૨ ગ્રામ પ્રમાણે અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૪ ગ્રામ વાયટાવેક્ષ ૧ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજજન્ય રોગો સામે રક્ષણ મળે છે. રાસાયણિક ખાતર ચણાને વાવતી વખતે એક જ હપ્તો ખાતરનો આપવો. પાયાના ખાતર તરીકે હેકટરે ૨૦ કિલો નાઇટ્રોજન અને ૪૦ કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી પહેલા ચાસમાં આપવો. આ માટે પાયામાં હેકટરે ૮૭ કિલોગ્રામ ડીએપી સાથે ૯.૫ કિલોગ્રામ યુરિયા ખાતર આપવું. અથવા ૪૩.૫ કિલો યુરિયા અને ૨૫૦ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ આપવું. ચણાના મૂળમાં રાઇઝોબિયમ જીવાણુંની પ્રવૃતિ ૨૧ દિવસમાં શરુ થાય છે, તેથી છોડ પોતે જ હવાનો નાઇટ્રોજન વાપરવાની શકિત મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિ ખાતરની જરુર નથી. ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિ ખાતર તરીકે આપે છે. જેથી ખોટો ખર્ચ થાય છે. આ વધારાનો નાઇટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોડાં બેસે છે. પિયત પિયત વિસ્તારમાં ઓરવણ કરીને ચણાનું વાવેતર કર્યા પછી પહેલું પાણી આપવું. આ પછી ડાળી ફૂટવાના સમયે એટલે કે ૨૦ દિવસ પછી બીજુ પાણી આપવું. ત્રીજુ પાણી ૪૦ થી ૪૫ દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી ૬૦ થી ૭૦ દિવસે પોપટા બેસતી વખતે આપવું. આમ ચણામાં ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાને પિયતની ખાસ જરૂરિયાત રહે છે. આ સમયે પાણીનો યોગ્ય ઉપયોગ અને આર્થિક ફાયદો થાય છે. ખેડૂત મિત્રો કાબુલી ચણા નું વાવેતર કરતા પહેલા બજાર ભાવ અને ચોક્કસ માહિતી મેળવી પછી વાવેતર કરવું... #ખેડૂત #ખેડૂતપુત્ર #agriculture #ખેતીમાહિતી